Sursagar Vadodara

વડોદરાના હ્રદય સ્થાને સુરસાગર સરોવરમાં બિરાજમાન સર્વેશ્વર શિવજી ધારણ કરશે સુવર્ણ આવરણ.

વડોદરા નું રાજવી યુગલ શાસ્ત્રોક્ત વિધિવિધાન દ્વારા આજે તેના કામનો શુભારંભ કરાવશે.

2021 માં સર્વેશ્ચર શિવ સ્થાપનાની રજત જયંતિ ધામધૂમથી ઉજવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
સાવલીના સિદ્ધ સંત સ્વામીજી એ જેની સ્થાપના કરવાની પ્રેરણા આપી હતી અને બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજે જેની સ્થાપનાના આશીર્વાદ આપ્યા હતા, એવા વડોદરાના હ્રદય સ્થાને સુરસાગર સરોવરની મધ્યમાં બિરાજમાન વિરાટ સર્વેશ્વર શિવ હવે સોનાનું આવરણ ધારણ કરશે.આ 111 ફૂટ ઊંચી અને વડોદરાને શિવનગરી બનાવતી પ્રતિમાની સ્થાપના, પરમ શિવભક્ત અને રાજ્યના નર્મદા વિકાસ મંત્રીશ્રી યોગેશભાઈ પટેલની આગેવાની હેઠળના સત્યમ શિવમ સુંદરમ્ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી.


જ્યારે સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા આ આસમાનને આંબતી શિવ પ્રતિમાને દાતાઓના સહયોગ થી સુવર્ણ વાઘા પહેરાવવાનું અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

વડોદરાનું રાજવી યુગલ શ્રીમંત મહારાજ સમરજીતસિંહ ગાયકવાડ અને મહારાણી રાધિકારાજે આવતીકાલ તા.5 મી ઓગસ્ટ ને બુધવારના રોજ, સુરસાગરની વચ્ચે સર્વેશ્વર શિવના ચરણ સ્થાને ચાર વેદોના બ્રાહ્મણો દ્વારા પવિત્ર મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે શિવજીને સોને મઢવા ના આ પવિત્ર કાર્યનો મંગળ પ્રારંભ કરાવશે.
સોનામાં સુગંધ ભળે એવી વાત એ છે કે આવતીકાલે પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્ર મોદી અયોધ્યા માં આખું ભારત યુગોથી જેની ચાતક ડોળે પ્રતીક્ષા કરે છે એવા રામલલ્લા ના મંદિરના નિર્માણ નું ભૂમિપૂજન કરાવવાના છે.તેની સાથે જ વડોદરામાં શિવ સુવર્ણ આવરણ સમારોહ યોજાતા જાણે કે સોનામાં સુગંધ ભળી છે. આ કાર્યક્રમ કોરોના વિષયક ગાઈડ લાઈનના પાલનની સંપૂર્ણ તકેદારી સાથે યોજવામાં આવ્યો છે.
111 ફૂટની ગગનચુંબી ઊંચાઈ ધરાવતી સર્વેશ્વર શિવ પ્રતિમાની, સુરસાગર મધ્યે સ્થાપના ના ઇતિહાસને વાગોળતા શ્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું કે સત્ય સંકલ્પ ના દાતા ભગવાનનું પ્રેરક સૂત્ર આપનારા સાવલીના સ્વામીજી એ જેની પ્રેરણા આપી એવા શિવ ભક્તિના મહાન કાર્યનો સન 1996માં શ્રાવણ વદ અષ્ટમી, પવિત્ર કૃષ્ણ જન્મોત્સવના દિવસે પૂજ્ય પ્રમુખ સ્વામી બાપાએ સ્વહસ્તે, સુરસાગરની મધ્યમાં જઈ, સંપૂર્ણ વિધિવિધાન સાથે પ્રતિમા સ્થાપનનો પ્રારંભ કરાવ્યો હતો.

એ દિવસે વડોદરા શહેરના ઇતિહાસમાં બલ્કે દેશના ઇતિહાસમાં અતિ અભૂતપૂર્વ ગણાય તેવી ઘટના રૂપે એક ટ્રકમાં કોઈ પણ પ્રકારના બંધન વગર, સાવ ખુલ્લા રાખવામાં આવેલા 5 જીવંત સિંહો સાથે છડી યાત્રા શોભાયાત્રા પંચમુખી મહાદેવથી નીકળી હતી. આ શોભાયાત્રામાં પાંચ બેન્ડ વાદક ગ્રુપો, બકરા ગાડી, બળદ ગાડા માં વેશભૂષા ધારી બાળકો સાથે હાથી ઘોડા સહિત શિવભક્તો, જોડાયા હતા. ટ્રકમાં કોઈ બંધન વગર રાખવામાં આવેલા આ સિંહો સુરસાગર ખાતે છડી યાત્રાના – શોભાયાત્રાના સમાપન સુધી ડાહ્યા ડમરા થઈને શાંતિથી બેસી રહ્યા એ જોઈને સહુએ શિવ કૃપાની અનેરી અનુભૂતિ કરી હતી.


આ છડી યાત્રા રાવપુરા ટાવર, દાંડિયા બજાર ચાર રસ્તા થઈ સુરસાગર કાંઠે આવી હતી.સરોવરની મધ્યમાં તાડપત્રી નો વિશાળ શામિયાનો બાંધવામાં આવ્યો હતો જ્યાં પ્રતિમા સ્થાપનાની પૂજન વિધિ માં રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારના તત્કાલીન મુખ્ય મંત્રીશ્રી સુરેશભાઈ મહેતા,પ્રધાનમંડળ ના 9 સાથીદારો સાથે જોડાયા હતા.


દર વર્ષે મહા શિવરાત્રીના પર્વે સુરસાગર કાંઠે સર્વેશ્વર શિવની મહા આરતી યોજાય છે જેમાં બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજ, કેવલાનંદજી બાબા સહિત સંત વિભૂતિઓ, હાલમાં દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી, શ્રીમતી આનંદીબહેન પટેલ, વર્તમાન મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને હાલમાં કર્ણાટકના રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા સહિત ગણ માન્ય અતિથિઓએ મહા શિવ આરતીનો લ્હાવો લીધો છે. સન 2002માં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આ ભવ્ય શિવ મૂર્તિ વડોદરાની પ્રજાને લોકાર્પિત કરી હતી.
1996ની મહા શિવરાત્રીથી શરૂ થયેલી આ મહા આરતીની પરંપરાને આગામી 2021ની મહા શિવરાત્રિએ 25 વર્ષ પૂરા થશે. તેને અનુલક્ષી ને ભવ્ય મહા આરતી રજત જયંતિ મહોત્સવ યોજવાની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. ભગવાન શિવની કૃપાથી ત્યાં સુધીમાં વર્તમાન કોરોના સંકટનું તબીબી સમાધાન મળી જશે અને સહુ સાથે મળીને રંગે ચંગે મહા આરતીની રજત જયંતિ ઉજવીશું એવી શ્રદ્ધા નર્મદા વિકાસ મંત્રીશ્રીએ વ્યક્ત કરી છે.


શિવ સુવર્ણ આવરણ શુભારંભ નો કાર્યક્રમ બુધવારના રોજ સાંજના 4 વાગ્યે રાખવામાં આવ્યો છે.જેમાં રાજવી યુગલ સુરસાગરની મધ્યમાં શિવ પ્રતિમા ચરણ કમળ સ્થાને ભગવાન શિવજીની છડી લઈને પૂજન સ્થાને જશે.


આ પ્રસંગે પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજ,વ્રજ રાજ કુમાર મહોદય, જૈન સાધુ મહારાજો, સ્વામી નારાયણ સંપ્રદાયના, ગાયત્રી પરિવારના, બ્રહ્માકુમારીના સંતો, સાધ્વીઓ, કરજણના પૂજ્ય ભોલાગીરી મહારાજ, વડોદરાના સાંસદ, ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી, પાલિકાના પદાધિકારીઓ, નગર સેવકો, વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, પદાધિકારીઓ, ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડૉ. વિનોદ રાવ, જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ, વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉપાધ્યાય, શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમ સિંહજી સહિત ઉચ્ચ અધિકારીઓ, સુવર્ણ આવરણ ના દાતાઓ, સુવર્ણ સંકલ્પ ટ્રસ્ટીઓ નિલેશ શુકલ, પિયુષભાઇ શાહ, મંયક પટેલ, પરાક્રમસિંહ બાપુ, જીતુભાઇ મોટા ફોફળિયા, જયેશ દવે, હીમાંશુ પટેલ, જલેન્દુ પાઠક, ગૃહ નિર્માણકારો, વ્યાપાર ઉદ્યોગ જગતના અગ્રણીઓ તા. ૦૫/૦૮/૨૦૨૦ના રોજ સુરસાગર ખાતે બપોરે ૪.૦૦ થી ૬.૦૦ના કાર્યક્રમમાં હાજરી આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram